રામકૃષ્ણ આશ્રમ દ્વારા ‘અરાઈઝ, અવેઈક’ રાષ્ટ્રીય યુવા સંમેલન યોજાયું:પૂર્વ ગવર્નર આઈપીએસ ડૉ. કિરણ બેદી સહિતના મહાનુભાવોએ યુવાનોને રાષ્ટ્રનિર્માણના યજ્ઞમાં જોડાવા કર્યું આહ્વાન

 

રામકૃષ્ણ આશ્રમ દ્વારા ‘અરાઈઝ, અવેઈક’ રાષ્ટ્રીય યુવા સંમેલન યોજાયું:પૂર્વ ગવર્નર આઈપીએસ ડૉ. કિરણ બેદી સહિતના મહાનુભાવોએ યુવાનોને રાષ્ટ્રનિર્માણના યજ્ઞમાં જોડાવા કર્યું આહ્વાન

આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા તારીખ ૧૯મી જૂન રવિવારના રોજ આશ્રમના વિવેક હોલમાં ‘અરાઈઝ,અવેઈક!’ વિષય પર નેશનલ યુથ કન્વેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક દિવસીય રાષ્ટ્રીય યુવા સંમેલનમાં ગુજરાતના જામનગર,જુનાગઢ,ધ્રોલ,પોરબંદર,ગાંધીનગર સહિત છેક મહારાષ્ટ્ર અને છત્તીસગઢ યુવાન યુવતીઓએ પણ જોડાઈને રાષ્ટ્રપ્રેમનું ભાથું બાંધ્યું હતું..

આ સંમેલનનું ઉદ્ઘાટન કાર્યક્રમના મુખ્ય વક્તા અને પુદુચેરીના લેફ્ટન્નટ ગવર્નર અને દેશના પ્રથમ આઈપીએસ ડૉકિરણ બેદીના વરદ હસ્તે થયુ હતું. મેગ્સેસે એવોર્ડથી સન્માનિત બેદીએ બાળકો,યુવાનો અને ગરીબ,પછાત તથા વંચિતો માટે સ્થાપેલી નવજ્યોતિ તથા ઇન્ડિયા વિઝન ફાઉન્ડેશન નામની બે સંસ્થાઓ દ્વારા પોતે કરી રહેલાં કાર્યોના પ્રેક્ટીકલ વિડીયો પ્રેઝન્ટેશન સાથે સમજુતી આપી હતી.કિરણ બેદીએ સમયનું મહત્વ, જીવનમાં શિક્ષણનું મહત્વ, શિક્ષક અને માતા-પિતાએ બાળકના ઉછેરમાં ધ્યાન રાખવાની બાબતો વિશે વક્તવ્ય આપ્યું હતું.

અદ્વૈત આશ્રમ,હિમાલયના સ્વામી આત્મા શુદ્ધિદાનંદજીએ જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદ ઘણા બધા ક્રાંતિવીરોના આદર્શ રહી ચૂક્યા છે. રામકૃષ્ણ મિશન સાથે જોડાયેલા ૧૩ સ્વામીજીઓ પોતાના પૂર્વાશ્રમમાં ક્રાંતિવીર રહ્યા હતા અને એ બધા વિવેકાનંદથી પ્રભાવિત હતા.ડેક્ષટેરીટી ગ્લોબલના સ્થાપક અને સીઈઓ શરદ સાગરે જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદ ની પ્રેરણા અને દિશાનિર્દેશ તેમને અમેરિકાના અભ્યાસ દરમિયાન અને કોન બનેગા કરોડપતિમાં વિષય નિષ્ણાત તરીકેની કામગીરી દરમિયાન પણ મળતા રહ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે નેતૃત્વ એટલે કોઈ પદ કે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી નહીં પરંતુ તમે જ્યાં છો ત્યાં તમારી આસપાસના લોકોની મુશ્કેલીઓ દૂર કરો એ નેતૃત્વ છે. તમને કોઈ હોદ્દો કે પદ મળે ત્યારે જ તમે લોકોની મદદ કરો એવું જરૂરી નથી.

સુપ્રસિદ્ધ લેખિકા અને ચિલ્ડ્રન યુનીવર્સીટીના પૂર્વ સલાહકાર જ્યોતિબેન થાનકીએ જણાવ્યું હતું કે સિસ્ટર નિવેદિતાએ રેંટિયો કાંતવા ને પ્રોત્સાહન આપ્યું, કન્યા શાળાઓની સ્થાપના કરી એક વિદેશી સ્ત્રીના હૃદયમાં માત્ર ભારત સિવાય કશું પણ ન હોય એ આશ્ચર્યની વાત છે. આવતા ૫૦ વર્ષમાં ભલે બધા દેવી-દેવતા અદ્રશ્ય થઈ જાય પણ ભારતમાતા તો રહેશે જ ભારત એ જ ભક્તિ,ભારતની મુક્તિ એ મોક્ષ નું કાર્ય. નિવેદિતાજીએ જ અવનિંદ્રનાથ ટાગોરને ભારત માતા નુ ચિત્ર બનાવવા માટે પ્રેરણા આપી હતી.અન્ય વક્તાઓમાં નોઈડા ઇન્ટરનેશનલ યુનીવર્સીટીના ચાન્સેલર ડૉ. વિક્રમ સિંહે વિવિધ ક્ષેત્રમાં કાયદા, ન્યાય પ્રિયતા વિશેની વાતો કરી હતી.વિવેકાનંદ વિદ્યાપીઠ રાયપુરના માનદ સેક્રેટરી ડૉ. ઓમપ્રકાશ વર્મા તથા સુપ્રસિદ્ધ લેખક અને વક્તા રામકૃષ્ણ મિશન કાનપુરના સેક્રેટરી સ્વામી આત્મશ્રધ્ધાનંદે પણ અત્યંત મનનીય વક્તવ્ય આપ્યા હતા.આ સંમેલન રામકૃષ્ણ આશ્રમની યુ ટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે.

Share this post